Ad Code

"વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત" અને માંડણ અમથા ખેર










"વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત" અને માંડણ અમથા ખેર
https://www.facebook.com/images/emoji.php/v9/fdd/1/16/270d_1f3fb.png🏻 શાહનવાઝ મલીક "શાહભાઈ"
વાગડ માંથી ઉંટ પર એક રાજપૂત વણોદ મુકામે આવ્યા એમણે માં વિહત અને વના ભગતની બોલબોલા સાંભળી લીધેલી અને હવે પંથક છોડીને બહારના અનેક પરગણાંમાં વના ભગતના નામની સુવાસ ફેલાયેલી અને એ રાજપૂત જ્યારે વિહતને પગે લાગ્યા તો મોઢામાંથી ડૂસકાં નીકળી ગયા અને મરદ મુછાળો રાજપૂત નાના બાળકની જેમ રડી રહ્યો હતો,
વના ભગત બધું શાંતિથી બેઠા બેઠા જોઈ રહ્યા હતાં અને જાણે વિહત એમના કાનમાં કહેતી હોય એમ એ બોલ્યા ભાઈ તમે વાગળમાં જ્યાં રહો છો ત્યાં કોઈકે ભારે મેલું કરીને તમારી રોજી બાંધી છે, અને આ મેલું કાઢવા મારે પોતાને ત્યાં જવું એવો મારી માતા નો આદેશ છે, અને વના ભગત માતાના આદેશ મુજબ વાગડ જવા રવાના થયાં,
ત્યાં રાજપૂતના કંપામાં એમને બધું નજરે દેખાતું હતું દુઃખ સામાન્ય નહોતું રાજપૂતજ સહન કરી શકે બાકી બીજા ક્યારનાય તૂટી ગયા હોત, આમ એમણે કંપા ની એક જગ્યા પર એ રાત્રે ખોદવાનું નક્કી કર્યું અને કહ્યું કે સાડા ત્રણ ફૂટે એક લાકડાની મુર્તી ઘડીને દાટેલી છે, અને એ મુર્તી એ તમારી રોજી સુખ સંપત્તિ બધું રોકેલું છે, પણ એને વાજતે ગાજતે કાઢવી પડશે અને રાત્રે બાર વાગ્યે ઢોલ અને ખાડો ખોદનારા બોલાવી લેજો,
રાત પડી કંપામાં સન્નાટો ખૂબ પ્રસરેલો હતો એ ગામ ભેંકાર ભાસતું હતું અને બરાબર બાર વાગ્યે ઢોલ ધબુકવાના ચાલુ થયા અને લોકોએ ખોદવાનું ચાલુ કર્યું તરધાયા વાગતાં સાંભળીને ગામ લોકો આવવા માંડ્યા, ત્રણ ફૂટ ખોદીને ભગતે બીજાને બહાર કાઢી પોતે ખાડામાં ઉતર્યા અને અડધો ફૂટ એમણે ખોદયું, અને એ લાકડાની મુર્તી નીકળી, આટલા ઢોલના અવાજમાં પણ એ મુર્તીનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો કે મને હાથ ના લગાડતો નહીંતર તારી સત્તર પેઢી ઉખેડી નાખીશ, પણ આ તો વના ભગત એને ક્યાં ખબર હતી કે પીઠ પાછળ વિહત હાજરા હજુર બેઠી હોય એને દમ ના મરાય,
પછેડીના છેડે એ લાકડાની મુર્તી બાંધીને વાજતે ઢોલે એ લોકો ગામ બહાર આથમણે હાલ્યા ભગતે ઢોલ બંધ કરાવીને લોકને કહ્યું કે કઠણ કલેજું હોય ઇજ ભેળા આવજો નહીંતર આ વિધિમાં મૂતર છૂટી જાશે, કેટલાય પાછા વળી ગયા અને ટોળું આગળ વધ્યું, સામે આ લાકડાની મુર્તી દાટનાર પણ જબરો તાંત્રિક હતો અને રાવળ હતો એમ માતાએ જોયું,
થોડે આગળ જતાં એક પથ્થરની સલાટ ઉભા મારગે રાડો પડતી ધૂણતી આવી રહી હતી અને ડાકલા વાગી રહ્યા હતાં વના ભગત ઉભા રહી જોર શોરથી કઈંક મંત્રોનો જાપ કરવા લાગ્યા અને એ વિસ મણની સલાટ એમની છાતીએ આવીને ઉભી રહી ગઈ આજુબાજુ ઝાડવાના પત્તા ખરી ગયા એવો વંટોળીયો આવ્યો પણ આ ડાયરો ટસનો મસ ના થયો, અને વના ભગતે સાથે આવેલ ગામ લોકોને ખોદવા કહ્યું અને ખોદીને એ લાકડાની મુર્તી ને ખાડામાં મૂકી ઉપર એ સલાટ મૂકીને દફન કરી દીધી,
અને ટોળામાં દુઃખી ઘરધણી રાજપૂત ભેળા હતાં મુર્તી જેવી દટાણી એવીજ રાજપૂતની કમર ઝલાણી હતી એ છૂટી ગઈ અને એ ફુરતીમાં આવી ગયાં, બધી વીધી પતાવીને એ ડાયરો ગામમાં પરત ફર્યો વના ભગતે ઘરમાં બીજી બાકીની સાફસફાઈ કરી અને સૌ શાંતિ થી સુઈ ગયા,
પણ આતો તાંત્રિક અને અમાપ શકતી અને ઘમંડમાં પ્રચુર વેડ ગામનો હીરો રાવળ ધમકી મારી કે મારી વિદ્યાને ફોક કરનાર આ ધરાતલ પર પેદા નથી થયો એ જે વનો ભગત હોય તે જીવતો વણોદનો ઝાંપો નહીં જોવા દઉં,
ભગત નીકળ્યા આખું ગામ રાજપૂત સાથે વિદાય આપવા ઝાંપે આવેલા આગળ ભગતે ના પાડી કે મારી માથે જોખમ છે અને હારે આવનારને જોખમમાં નથી નાખવો એ એકલા ચાલ્યા અમરાપર રાત રોકાયા અને બીજે દીવસે નવાગામ સંગ્રામ મોઢવાના ઘરે રોકાયા, અઢાર અઢાર વર્ષથી એ ઘરે ડેકલા વાગે અને એ ઘરેજ વના ભગતની પધરામણી થઈ અને ત્યાં આ વેડના હીરા રાવળની સાથે ભગતની મુલાકાત થઈ ગઈ,
અને એ જીભાજોડી પર ઉતરી ગયો કે હાલ તું સાબિત કર કે કોણ ચડિયાતું છે, અને એ હીરો વાળ છુટા કરી ડેકલું વગાડવા લાગ્યો, અને એના ડેકલાની દાંડી હાથમાંથી છૂટીને મોભારે ચોંટી ગઈ અને એણે ગજવામાંથી દાઢી બનાવવાનો ધારદાર અસ્ત્રો કાઢ્યો, ભગત હળવું હળવું હસતા હતા અને પેલો ગુસ્સામાં હતો અસ્ત્રા થી વગાડવાનું ચાલુ કર્યું અને ભગતે આવા સાત અસ્ત્રા તોડી નાખ્યાં,
ત્યાંથી હીરો ભાગ્યો એણે આજીયો સાધેલો ગમે એનું મકાન એ ગમે ત્યાં બેઠો બેઠો સળગાવી મારે, વના ભગત ઘરમાં ના સુઈ રહ્યાં બહાર આગણ માં પથારી કરી, રાવળે તેલની કડાઈ ચડાવી અને તેલ ખૂબ ઉકાળ્યું અને એ કડાઈને હુકમ કર્યો કે જા જ્યાં વનો ભગત સૂતો હોય એને ભૂંજી નાખ પણ છેલ્લી ઘડીએ વિહતે ભગતને જગાડીને બચાવી લીધાં અને ગરમ તેલનું કડાયું ભોંમાં ઠાલવી નાખ્યું,
આખરે રાવળે છેલ્લો દાવ અજમાવ્યો પથ્થરની સલાટ ઉઠાવીને વાવાઝોડા સાથે મોકલી અને ભગતે એ સલાટ ઉતારી પાસે રહેલ ચપ્પુથી ટચલી આંગળી કાપી પાંચ ચાંદલા કર્યા અને લોહી છાંટયું અને એ પાટ ને પરત વેડ મોકલી અને એ પાટ એ હીરો રાવળ જ્યાં બેઠો હતો ત્યાં આવીને ખાબકી અને એનો જીવ લીધો, આમ એ આખા મલકને એના આતંકમાંથી મુક્તિ મળી,
આજેય એ સલાટ વેડ ગામે મોજુદ છે અને એની પૂજા થાય છે,
એ નવા ગામના ભરવાડો આજેય વણોદ વિહતના દર્શને આવે છે, અને વના ભગતને યાદ કરે,
કોઈની ભેંસ ખોવાણી હોય અને વિહતને મઢે આવીને અરજી કરે એટલે ત્રણ દિવસમાં એ ભેંસ હેમખેમ પાછી મળે, વણોદ ગામના ખાડુની ભેંસ આજ'દી લગી ચોરાઈ હોય એવો કિસ્સો નથી, પછી કોઈને સોગંદ ખવડાવવાના આવે અને જો વિહતનું નામ વચ્ચે આવે તો ગમે એવો ચમરબંદ હોય એ વિહતના સોગંદ ના ખાય અને સાચાખોટાં ની પરખ થઈ જાય,
એ પછી મોટી ઉંમરે ભગતે સંસાર માંડ્યો જેમને વસ્તાર માં
વના ભગતના દીકરા
રાજા ભગત અને એમના દીકરા
સવા ભગત અને એમના દીકરા
કાળુ ભગત ચોથી પેઢીએ હાલ વણોદ ગામે હયાત છે અને વિહતની સેવા ચાકરી કરે છે એમને બે દીકરા,
દિનેશ અને પારસ આ વિહતના પ્રતાપે બંને ભણી ગણીને સરકારી નોકરીએ લાગી ગયા, અને કાળુ ભગત કહે આ મારી ભક્તિ અને આ વિહતની મહેરબાની સુખ શાંતીમાં આ ખોરડું આખા નેસડા માં અવ્વલ નંબર છે,
કાળુભાઇ ના બારામાં પણ જાણવા જેવી અનેક વાતો છે આજેય મસ્જિદોમાં મંદિરોમાં કોઈ જમાતો આવે કાળુ ભગત દૂધ મફત આપે અને વગર માંગે જાતે જઈને દઈ આવે, એમની પાડોશમાં વણોદ ગામની બહુ જૂની જુમ્મા મસ્જિદ છે અને ત્યાં નોકરી કરવા આવનારા મૌલવીને કાળુ ભગત વર્ષોથી દૂધ મફત આપે,
વણોદની જુમ્મા મસ્જિદ જૂની થઈ ગયેલી અને અંદર સાંકડી હોઈ ગામ લોકોએ મળીને નીર્ધાર કર્યો કે આજુબાજુની જમીન ખરીદીને મસ્જિદ થોડી મોટી બનાવીએ, અને પાછળ જમીન કાળુ ભગતની, ગામના ચારપાંચ મુસ્લીમ આગેવાનો કાળુ ભગત પાસે ગયા અને મસ્જીદ માટે જમીનની માંગણી કરી અને કિંમત કરવા જણાવ્યું, ત્યારે એ વના ભગતના વંશજના સંસ્કરો જુઓ એ કાળુ ભગત એટલું બોલ્યા કે મસ્જીદ માટે જમીન જોઈતી હોય અને હું રકમ માંગુ તો મારો જન્મારો લાજે અને ઉભા થઈને બોલ્યાં કે આ હું ઉભો છું તમારે જેટલી જમીન જોઈએ એટલી વાળી લ્યો આમ વિના મૂલ્યે જમીન દાન કરી દીધી
આવા દિલેર અને માયાળુ છે વણોદ જાગીરના ભરવાડો અને લોકો, ધન્ય એમની જનેતા ને ધન્ય એમના જન્માંરા ને અને ધન્ય છે એમની ભક્તિ ને....
તા.ક. ખેર ના કુટુંબનું લખવા બેસું અને એક એમનાજ ઘરડાંઓમાં થઈ ગયેલ માંડણ અમથા ખેર વિષે કંઈજ ના લખું તો મારી કલમ લાજે.....
વના ભગતથી બસો વર્ષ પહેલાં એ માંડણ અમથા થઈ ગયાં અને ગામનું ગાયો ભેંસોનું ખાડું ચારતા, ગામથી ઉગમણે આવેલા 'શોઢીલા' નામનું તળાવ વણોદ ગામ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાનું સોઢા દરબારોએ ખોદાવેલું અને એની ઉગમણી પા બાજુના સીમાડા 'મેઢત' નામે ઓળખાતાં,
એ મેઢત પા માં સવારથી ખાડું લઈને ત્રણ ભરવાડો ગયેલા અને દશેક હથિયાર બંધ ઘોડેસવારો નીકળ્યા અને પહેલાં પાણી પીને સારી સારી દુઝણી ગાયો અને ભેંસો જોઈ લીધી અને પછી ભરવાડો ને ભુલાવામાં નાખીને એ દુઝણા વાળીને હાંકવા લાગ્યાં ત્યારે ખબર પડી કે આતો ચોર છે લૂંટવા આવેલા હતાં પણ આ માંડણ ખેર પણ એક ટંકે આખું બોઘેણુ ઉભો ઉભો દૂધ પી જાતો અને એની તાકાત આટલા પંથકમાં ચર્ચાનો વિષય હતી અને એને લાગ્યું કે મારી હાજરીમાં આ રીતે મારા ગામના ઢોરા લઈ જાય તો લોકો મને ફટ કહેશે,
અને 'સબુર' કહી એણે એની ઘોડીને અસવારોની આડી ફેરવી મારગ રોક્યો અને ધીંગાણું જામ્યું, સામે દશ અને આ માંડણ એકલો ત્રણ જણને કાપી નાખ્યાં પણ એને ઘણા ઘા વાગી ગયા હોઈ ખૂબ લોહી વહી ગયું હતું એટલે થોડે છેટે ઘોડી ઉભી રાખી એ એના લોહી નિગળતા ઘા પર પાઘડીને ફાડીને એના કપડાંના પાટા બાંધી રહ્યો હતો અને પાછળથી આવીને એક લૂંટારાએ જનોઈવઢ ઘા માર્યો અને એ માંડણ અમથાનું માથું ધડ પરથી કપાઈને નીચે પડી ગયું,
પાંચ લૂંટારા બચેલા અને એમને એમ કે હવે હમણાં ધડ પણ હેઠું આવશે પણ આ ધડ તો લગામ ખેંચીને લડવા ઉતર્યું અને સાથ દીધો ઘોડીએ, જ્યાં લૂંટારા ભાગે ત્યાં ઘોડી આડી ફરતી અને ધડ તલવાર વીંઝે અને એ લૂંટારાને કાપી નાખે એમ એ દશે દશ લૂંટારાને કાપીને ઢોરા બધા ગામ બાજુ વાળીને એ ધડ સહિત ઘોડી પાછી વળી અને વણાવ માતાના મંદિરના આંગણે એક મેલી બાઈ આડી ફરી ગઈ અને એ બાઈની આભડછેટ થી એ ધડ ઘોડી પરથી નીચે પડ્યું અને જેવું ધડ પડ્યું એવીજ ઘોડી પણ પડી અને મૃત્યુ પામી,
અને પછી ગામ લોકોએ આવીને એમને અને એમની ઘોડીને ત્યાંજ વણાવ માંતાના મંદિરના આંગણામાં એમની સમાધી ખોદીને ભંડારી દીધાં,
જે માંડણ અમથા ખેર અને ઘોડીના પાળિયા આજેય વણોદ મુકામે વણાવ માતાના મંદિરમાં પગથીયાની બાજુમાં છે, આવા વીર શહીદો ભરવાડોમાં થઈ ગયા જેની હાલ જમાનાને ખબર નથી ધન્ય એ સુરાની ભુમી વણોદ ને અને એના ઇતિહાસ ને.......
(બીજા પાળિયાનો પણ ઇતિહાસ મળેલ છે જે હવે પછી ક્યારેક રજૂ કરીશ આ લેખ ખાસ ખેર ના ખોરડાં ની વાત હતી એટલે ઉલ્લેખ કરવો પડ્યો)
કથાવસ્તુ--કાળુભગત ખેર
મુ. વણોદ તા.દસાડા(પાટડી) જી.સુરેન્દ્રનગર
વિશેષ જાણકારી માટે કાળુ ભગતનો ફોન ન.૯૯૭૯૦૭૭૯૬૮
સંવાદ-બાપુભા કેશુભા મલીક -સહ આભાર,
ફોટો સૌજન્ય-રોહન ગજ્જર
વના ભગતને બાવાની જમાતે આપેલો ચાંદીનો સિક્કો,
લેખક સંશોધક-શાહનવાઝ મલીક "શાહભાઈ" દસાડા જી.સુરેન્દ્રનગર પીન-૩૮૨૭૫૦

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *