વાગડમાં પૌરાણિક ગુફા મળી આવી
___________________________
રાપર તાલુકાના ભૂટકીયા ખાતે આવેલી પૌરાણિક ધોરેશ્વર જાગીર ખાતે નદીના કોતરોમાં ઝર ખાતે દટાઈ ગયેલી ગુફા મળી આવી છે. આ ગુફા વિશે ગામ લોકો વાતો કરતા કે અહીંયા ક્યાંક ગુફા દટાયેલી છે. ટૂંક સમયમાં અહીંયા સમસ્ત ગ્રામજનો દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલું છે. તેને લઈને સમસ્ત ગ્રામજનો સાથે મળ્યા અને નક્કી કર્યું કે એક ગુફા હતી તેની વાતો સાંભળી છે તો ચાલો ખોદકામ કરીએ ગુફા સ્થળે અને ખોદકામ કરતા ગુફા મળી આવી. આ ગુફાનું ખોદકામ પહેલાના સમયમાં એક વખત દુષ્કાળ સમયે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુફા નીકળી હતી. પરંતુ ઉપરવાસમાં માયાગર તળાવ આવેલું છે. અને તેનું પાણી અહીંયા કોતરોમાંથી નીકળે છે,એટલે પાણી સાથે રેતી કાપ દ્વારા આ ગુફા દટાઈ ગઈ હતી. ફરીથી સમસ્ત ગ્રામજનો દ્વારા ખોદકામ કરતા પૌરાણિક ગુફા મળી આવી છે. આ ગુફાની લોકવાયકા એવી છે કે તે ગેડી નીકળે છે. ત્યાં પાંડવો રહેતા હતા એટલે પાંડવો સાથે જોડાયેલી વાતો છે. આ ગુફામાં એક મોટું ત્રિશૂળનું નિશાન પથ્થરમાં કોતરવામાં આવેલું છે. બાજુમાં તપ કરવામાં માટે બેઠક વ્યવસ્થા દેખાય છે. તેમજ અન્ય અંદર ગુફાનું પ્રવેશદ્વાર જેના દ્વારા અંદર જઈ શકાય છે. અને અંદર દૂર દૂર જતી હોય એવું લાગે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ શૈવપંથી તપસ્વીની તપ કરવાની જગ્યા હોય એવું લાગે છે.અત્યારે અહીંયાથી દીવાલમાં ચિત્રો જેમાં અલગ અલગ પથ્થરમાં કોતરેલા જોવા મળે છે. તેમજ સિંહના ચિત્ર સાથે મૂર્તિઓ મળી આવી છે. કોઈ અવશેષો મળે તો સાચો ખ્યાલ આવી શકે અથવા અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે તો સાચો ખ્યાલ આવે કે ગુફા કેટલી જૂની છે.
વાગડ વિસ્તારમાં અનેક નાની મોટી ઐતિહાસિક જાગીરો આવેલી છે તેમની એક પ્રસિદ્ધ જાગીર એટલે ધોરેશ્વર જાગીર તે રાપર તાલુકાના ભૂટકીયા ગામમાં આવેલી છે.ધોરેશ્વર જાગીરમાં ધોરેશ્વર મહાદેવ ,અનપૂર્ણા માતાજી, શીતળા માતાજી, કાળભૈરવ, તેમજ માયાગર, બુધગર, હિંમતગર, ગોપાલગર, જ્ઞાનગર, પાંચ ગાદીપતિ મહંતોની સમાધિઓ આવેલી છે.ધોરેશ્વર મહાદેવની સ્થાપના લોકવાયકા પ્રમાણે પાંડવો એ કરેલી છે તે જગ્યા હાલની જાગીરની બાજુમાં આવેલી છે અહીંયા એક ટીંબી આવેલી છે તેને ભીમ ટીંબી કહે છે. ધોરેશ્વર મહાદેવ મંદિર હાલમાં છે તે મંદિરની સ્થાપના માયાગર બાપુ એ કરેલ છે અહીંયા પહોંચતા જ આસપાસ ભવ્ય ભૂતકાળના દર્શન થાય છે.ધોરેશ્વર જાગીરમાં અનેક સંતો મહંતો થઈ ગયા છે જેમાં ગાદીપતિની પરંપરા રહી છે જેમાં માયાગર બાપુ, બુધગર બાપુ, હિંમતગર બાપુ, ગોપાલગર બાપુ, જ્ઞાનગર બાપુ, દત્તગર બાપુ, જયદેવગર બાપુ, લખમણગર બાપુ, સુરજગરબાપુ, નર્મદાગરબાપુ અને પછી મોમાઈમોરા જાગીરમાં જતા જગદીશગિરિ બાપુ ગાદીપતિ થયા અને તેમના પછી હાલે સુભમગિરિ બાપુ ગાદીપતિ છે. પ્રથમ ગાદીપતી માયાગર બાપુ હતા. જેમના સમયમાં જાગીર એ અનેક લોકકલ્યાણના કાર્યો કર્યો છે. માયાગર બાપુ દ્વારા ભૂટકીયા ગામનું તળાવ જેનું નામ જ માયાગર તળાવ છે. જે તેમણે ખોદાવેલું છે. કહેવાય છે કે બાપુ ગોદડી ઉપર બેસતા અને સાંજે મજૂરોને ગોદડી નીચેથી લઈને પૈસા આપતા જે હાથમાં આવે તે સામે વાળાને મળે અને તે સામે જે પ્રમાણે કામ કર્યું હોય તેટલા જ મળતા આવા ચમત્કારી મહાન સંત હતા.
અહીંયા એક ભવ્ય જેલ હતી. જેમાં આસપાસના બાર ગામોમાંથી કોઈ પણ નાના મોટા ગુનાની જેલ આપવાની સત્તા કચ્છના રા'બાવા એ જ્ઞાનગિરિ બાપુને આપેલ હતી. આજે પણ જેલના અવશેષો જોવા મળે છે. આ જેલ બે માળની હતી. નીચે જેલ અને ઉપર બંગલો આવેલો હતો. ધરતીકંપમાં જેલ પડી ગઈ તેની નીચેનો ભાગ હાલમાં મોજુદ છે.જ્યાં હાલમાં બેઠક કક્ષ અને જ્ઞાનગિરિ બાપુનો ધુણો આવેલો છે. જ્યાં તેમની ચરણ પાદુકા અને તેમની વસ્તુઓ રાખવામાં આવેલી છે. ધોરેશ્વર જાગીરની ૧૨૦૦ એકર જમીન આવેલી હતી. જેમાં એક વીડી આવેલી છે. ધોરેશ્વર જાગીરમાં જ્ઞાનગિરિ બાપુ ખુબ જ ચમત્કારી ગાદીપતિ હતા લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે તેઓ 1857 ના ક્રાંતિકારી હતા. અહીંયા આવીને રહ્યા હતા.અહીંયા તેમના સમયમાં જેલ બનાવી એક વખત કહેવાય છે કે કચ્છના રા' બાવા સાથે તેમની મુલાકાત થયેલી ત્યારે બાપુ એ ખીટીએ તેમનો ડગલો ઊતારેલો અને તે ડગ્યા કરતો જેની ઉપર રા' બાવાની નજર પડતાં કહ્યું કે આ કેમ ડગ્યા કરે છે. બાપુએ કહેલું કે મને તાવ આવેલો હતો અને આપ મળવા આવ્યા છો તો મે મારો તાવને આ ડગલાંમાં પૂરીને ખીટી એ ટીગાડી દીધો છે. જેના કારણે કચ્છના મહારાવ પ્રભાવિત થયેલા અને પછી તો તેમને ખૂબ સારા સંબંધ હતા. અહીંયા ધોરેશ્વર જગ્યાની આસપાસ કે વીડીમાં કોઈ શિકાર કરી શકતું નહીં. જ્ઞાનગિરિ બાપુની એક ચીબરી હતી એક દિવસ આવી નહિ એટલે બાપુ એ "કીધું ચલ બચ્ચા બોલ" અને કહેવાય છે કે ચિબરીને મારી ને ખાઈ ગયેલાના પેટમાં બોલી તે આવી ને બાપુના પગમાં પડ્યો અને ચિબરીની બાપુ એ સમાધિ બનાવેલી હતી.
જ્ઞાનગર બાપુ ખુબ ચમત્કારી હતા.એક લોકવાયકા પ્રમાણે આકાશમાર્ગે અંજાર બાજુ ચાર આંબા જઈ રહ્યા હતા. તેને બાપુ એ આંબલી બનાવીને નીચે ઉતારી લીધેલ હતા. જે આંબલી આજે પણ હયાત છે.બાપુ પર્યાવરણપ્રેમી ખુબ હતા તેમના વિસ્તારમાંથી એક લાકડું પણ કોઈ કાપી શકતું નહીં. હમીરપરના કોઈ ભાઈ એ ખેજડો કાપેલો તો બાપુ એ તેને સજા આપેલી કે બીજો ખેજડો વાવીને તે મોટો ન થાય ત્યાં સુધી દરોજ પાણી પાવાનું આવા તો અનેક પ્રસંગો અને ચમત્કારિક દાખલા છે.તેમના આપેલા શ્રાપોમાંથી એક પરિવારની અનેક પેઢીઓ થઈ પણ હજી મુક્તિ નથી મળી. અહીંયા આજે પણ ગામમાં કોઈ તકલીફ હોય તો સાચી શ્રદ્ધાથી બાપુની માનતા માને છે અને સઘળા દુઃખ દર્દ મટી જાય છે. જ્ઞાનગિરિ બાપુ સ્મશાનમાં આવેલી ટેકરી ઉપર તેઓ બેસતા અને વીડમાં આવેલો એક ઓટલો ત્યાં બાપુ બેસતા તે જગ્યાને જ્ઞાનગર બાપુના બંગલા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં એક ધુણો આવેલો છે. જ્ઞાનગર બાપુ પચીસ વર્ષ ગાદીપતિ રહ્યા હતા. જેઓ ૧૪૦ વર્ષ પહેલાં થઈ ગયા તેવું ભૂટકીયાના દેવગર સવગર ગુસાઈ જણાવે છે. ધોરેશ્વર જાગીરમાં કુંડની સામે એક ગુફા આવેલી છે. જેમાં અનેક સંતો એ તપ કરેલું છે. બાજુમાં ઝરની કુયલી આવેલી છે અને બે કુંડ આવેલા છે એક બહાર અને એક અંદર આવેલો છે. બહારના કુંડના પ્રવેશદ્વાર કલાત્મક છે આ કુંડ લોકો સ્નાન કરીને અંદરના કુંડમાંથી પાણી લઈને શિવ ઉપર જળભિષેક કરતા અને ચૈત્ર મહિનાની પૂનમનું પહેલા ખુબ જ મહત્વ હતું. અહીંયા આસપાસના અનેક ગામોમાંથી લોકો આવતા અને પીપળે પાણી આપતા જેને નવસતી કહેતા અહીંયા તર્પણ વિધિ પણ થતી હતી. ધોરેશ્વર જાગીરને ભૂટકીયા ગામમાં દરેક ઘર દીઠ એક કોસનું એક ચોસિયું આપવામાં આવતું એટલે કે ૨૪ માણાં દર વર્ષે આ જગ્યામાં અનાજ આપવામાં આવતું અને બાર ગામમાં ટહેલ કરવાનો હક હતો. અહીંયા ઓઘડની બંગલી હતી. ઇસ ૧૮૧૯ માં આવેલા ધરતીકંપમાં પડી ગઈ. ધોરેશ્વર મહાદેવ જાગીર ખાતે શ્રવણમાસમાં શિવના નાદ થી ગુંજી ઉઠે છે. દૂર દૂર થી અનેક લોકો આવે છે. કુદરતી વાતાવરણમાં નીરવ શાંતિ ચારેબાજુ લીલોતરી જોવા મળે છે. બાજુમાં ખારી આવેલી છે. જાણે કે મોટું તળાવ હોય તેવું પાણી હિલોળા લેતું હોય છે.અહીંયા અનેક પક્ષીઓ કલરવ કરતા જોવા મળે છે. ધોરેશ્વર જાગીર ભૂટકીયા અલૌકિક જગ્યા છે.
માહિતી સૌજન્ય: સમસ્ત ગ્રામજનો
🖋️ મહાદેવ બારડ વાગડ







0 Comments
Thank you for visiting our blog and Comments.