Ad Code

ઉત્તરાયણ નિમિત્તે બનતો ખીચડો આયુર્વેદ દ્દષ્ટીકોણથી શીતઋતુકાલમાં ઉત્તમ આહાર ઔષધ...

ઉત્તરાયણ નિમિત્તે બનતો ખીચડો આયુર્વેદ દ્દષ્ટીકોણથી શીતઋતુકાલમાં  ઉત્તમ આહાર ઔષધ...

પરંપરાગત રીતે મકરસંક્રાંતિ અને પતંગોત્સવ નિમિત્તે ગુજરાતના લગભગ દરેક ઘરમાં સાત ધાન્ય ભેળવીને ખીચડો બનાવવામાં આવતો હતો.    
જો કે, આજે જલેબી-ફાફડા  કે ઊંધિયા નું ચલણ વધી ગયુ છે . 

પહેલા ગોળ-તલની ચીક્કી કે લાડુ  ઘરે બનાવાતા  હતાં
અત્યારે  વેરાયટીના નામે હલકી ગુણવત્તાની ઘણી બધી જાતની ચીક્કી  બજારમાંથી તૈયાર  લવાય  છે.  

એમ ઉતરાયણનો ખીચડો  પણ ઘણી અલગ-અલગ ધાન્ય કઠોળ તથા તીખો કે મીઠો  બનાવવામાં આવે છે ..

એ બધામાં પ્રાચીન અને પરંપરાગત તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભદાયી સાત ધાન્યનો  અહીં તીખો ખીચડો બનાવાની રીત વર્ણવી છે .

કારણ કે, 
આખો દિવસ ધાબા / અગાસી ઉપર પતંગ ઉડાડીને અને ઠંડો પવન ખાઈને ગળું પકડાઈ ગયું હોય તો ગરમ ગરમ અને તીખો ખીચડો ખાઈને બીજા દિવસે ફરી ’એ કાપ્યો છે… ’ની બૂમો પાડવા તૈયાર થઈ જવાય… 

પરંપરાગત પ્રાચીન સમયકાળનો ખીચડો બનાવવા આ સામગ્રી ભેગી કરવાની રહેશે...
એક વાટકી જુવાર
અડધી વાટકી  ઘઉં
અડધી વાટકી દેશી કાળાં ચણાં
એક વાટકી ચોખા,
અડધી વાટકી મગ,
અડધી વાટકી મઠ
એક વાટકી  લીલીતુવેરના દાણાં  
બે વાટકી લાલ દેશી ડુંગળી (સુકી) ઝીણી  સમારેલી 
એક વાટકી લીલું લસણ ઝીણું સમારેલું
અડધી વાટકી લીલા મરચાં ઝીણા સમારેલાં ( તીખાંશ પ્રમાણે વધઘટ)
અડધી વાટકી આદુ ઝીણું સમારેલ
એક વાટકી કોથમીર સમારેલી
મીઠું  - સૈંધવ  સ્વાદ પ્રમાણે
ત્રણેક વાટકી તલનું તેલ 
બે ચમચી બાંધાની  હિંગ 

જુવારના વિકલ્પમાં બાજરી લઇ શકાય પણ સ્વાદની મજા જુવારથી છે... 
લીલી તુવેર પણ બાજરી કરતાં જુવાર સાથે સારી જમાવટ કરે છે.

ખાસ નોંધ : જો ચોખાને બદલે કમોદ, બંટી, કોદરી, ચેણો, મોરૈયો/ સાઉ  માંથી કોઇ એક મળી જાય તો બેસ્ટ રહેશે મોરૈયા સિવાયના કમોદ, બંટી, કોદરી, ચેણો  વિગેરેને પણ છડવા  એટલે કે ફોતરા દૂર કરવા પડશે,  જો તેનાં તાંદળા  તૈયાર  મળે તો છડવાની ઝંઝટ નહી.  

કમોદ,બંટી વિગેરે એક પ્રકારની  ચોખાની જાત જ છે,   જે ડાયાબીટીસ તથા કોલેસ્ટેરોલના દર્દીને બ્રાઉનરાઇસ  કરતાં પણ વધુ હિતકારી છે.

રીત:- 
જુવાર, ઘઉં, ચણા, મગ અને મઠ હુંફાળા પાણીમાં ૪–૫ કલાક પલાળો. પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી બધું જ ધાન્ય (ચોખાની વિવિધ લીધેલ જાતો સિવાય) અને કઠોળને ભેગું ખાંડણીમાં નાખીને ફોતરા ઉખડે તે રીતે છડી =હળવે હાથે ખાંડી લો.

છડેલા ખીચડાના ધાન્યોને  બરાબર સુકવીને સંગ્રહ પણ કરી શકાય છે.

છડેલા ધાન્યમાં કુલ વજનથી  પાંચ ગણું પાણી, 
ચોખા/મોરૈયો, લીલી તુવેરના દાણાં તથા મીઠું ઉમેરી બાફી લો. 
ખાનારાઓની વાયુ પ્રકૃતિ હોય તો બાફતી વખતે બે ચમચી અજમો પણ ઉમેરી લેવો...

એક પહોળાં ( જાડા તળીયાનું સ્ટીલના) વાસણમાં તેલ મૂકી, 
તેમાં હિંગ નાખી ડુંગળી, લીલું લસણ, આદુ, લીલા મરચાં સાંતળો. 
પછી તેમાં હળદર નાંખી અથવા...
લીલી તાજી હળદર તથા આંબા હળદર  ઝીણી સમારી ને અડધી અડધી વાટકી ના માપે  નાંખી લેવાથી... સુંદર કલર સાથે આહ્લાદક સોડમ નો લાભ મળે છે...

ત્યાર બાદ ખીચડાના  બાફેલાં ધાન્ય ઉમેરી સારી રીતે સમગ્ર મિશ્રણને ઉપર નીચે  હલાવી લેવું .. સ્વાદાનુસાર સૈંધવ નમક મેળવી... ખીચડા ને ધીમા તાપે સિઝવવો...
બરાબર સિઝન જાય એટલે કાપેલ લીલી કોથમરી ઉપર ગાર્નેશિંગ  ઓરી લેવી

ગરમ ગરમ ખીચડો ઉપરથી નાંખેલ કાચા તલના તેલ અને તક્ર-જાડીછાશ સબડકાં  સાથે ખાવાની મજા જ અનેરી છે.

"કળકળતો  ખીચડો"  આ શબ્દ સૌ કોઈ  એ સાંભળ્યો  હશે એ ઉતરાયણ  પહેલા સામુહિક  કે સામાજિક  શુભ કાર્ય "ના" કરવા માટે  લાલબત્તી સમાન  હોય છે . 
પણ 
ઉતરાયણના દિવસે ગરમાગરમ ખીચડો  ખાઈને  શુભ કાર્યની શરૂઆત  કરાય છે.  
જયોતીષની દ્રષ્ટિએ  સૂર્ય, ધન રાશી  છોડી ( ધનાર્ક પૂરાં ) મકર રાશીમાં પ્રવેશ  કરે છે એટલે કે સૂર્યની મકરસંક્રાતી  થાય છે.. 
સૂર્યાસ્ત હવે ક્રમે ક્રમે ઉત્તરદિશા  તરફ  આગળ વધતો જોવાં મળે છે એટલે કે સૂર્યનું ઉત્તર તરફ જવું ઉત્તરાયન કહેવાય છે. 

હવેથી સૂર્યનો  તાપ ધીમી ગતિએ  વધે છે. 
સમગ્ર વાતાવરણમાં નવું ચૈતન્ય  ફેલાઈ  જાય છે અને આ શરૂઆત  પૂર્ણપણે ફાગણ પૂર્ણિમા સુધી ખીલી ઉઠે છે...

ૠતુરાજ વસંતના પગરણ મંડાવવા લાગે છે... 

આયુર્વેદ શાસ્ત્રમાં આ હેમંત, શિશિરની ઋતુમાં (શિયાળામાં) ગુરુ અને સ્નિગ્ધ ગુણવાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે.   

એ પ્રમાણે આ ખીચડામાં સાત પ્રકારનાં ધાન્ય વપરાય છે, 
જે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે. 
જરૂરી  તમામ  પોષક તત્વોથી પૂર્ણ  આ સાત ધાનનો ખીચડો,   
ડાયાબીટીસ  અને હાયપર ટેન્શન તથા હૃદયરોગી પણ પોતાની જઠરાગ્નિ પ્રમાણે સમ્યક માત્રામાં ખાઇ શકે છે.

પણ સૂર્યના તાપમાં,  થોડી પતંગ ચગાવવાની  કસરત પણ કરવી જરૂરી છે.  

આ સિઝનમાં વિટામીન ડી અને કેલ્શિયમના સ્રોત રૂપી તલનું તેલ શરીરને શક્તિ આપે છે, તથા શીત વાતાવરણને લઈને પ્રકુપીત  થતા વાતદોષનું પણ શમન કરે છે.

આ ખીચડો  આયુર્વેદીય  દ્રષ્ટિએ  વાતદોષનું શમન કરે છે,  તથા સંચીત કફને સ્ત્રોતસમાંથી ઉત્કલેષ કરી કોષ્ઠમાં લાવે છે. 
જેથી સ્વસ્થવૃતના નિયમ પ્રમાણે  વસંતની શરૂઆતમાં સંચીત કફદોષને બહાર  કાઢવા પંચકર્મ પૈકી વમનકર્મ કરાય છે એ જ રીતે  આ પ્રકારનો  ખીચડો  ખાવાથી કંઈક અંશે  મીની પંચકર્મ જેવો  લાભ મળી શકે  છે...

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *