‘‘
"આ માત્ર શેરડીનું વાવેતર નથી, નવા વિચારોનું વાવેતર છે’’
"આ માત્ર શેરડીનું વાવેતર નથી, નવા વિચારોનું વાવેતર છે’’
પ્રગતિશીલ ખેડૂતશ્રી મહેન્દ્રભાઈ ભટોળ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનો વિસ્તાર આજથી ૪૦ વર્ષ અગાઉ શેરડી અને ચોખાના મબલખ ઉત્પાદન માટે જાણીતો હતો. તેથી આ પંથક ધાણધાર પંથક તરીકે ઓળખાતો હતો. પરતું સમય જતા આ વિસ્તારમા પાણીના તળ ધીમે ધીમે ઊંડા જવા લાગતા શેરડી તથા અન્ય કઠોળ જેવા પાકોનું વાવેતર લુપ્ત થવાના આરે આવીને ઉભું છે. પરતું વડગામ તાલુકાના જલોત્રા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી મહેન્દ્રભાઈ ભટોળે ૪૦ વર્ષ બાદ પોતાના ચાર વીઘા જમીનમાં ટપક પધ્ધતિ દ્વાર શેરડીનું સફળ વાવેતર કર્યુ, તેની સાથે ગોળ બનાવવાનું યુનિટ શરૂ કરીને ઈતિહાસને પુનઃ દોહરાવ્યો છે.
રાજય સરકારના કૃષિ મહોત્સવ અભિયાન અને વૈજ્ઞાનિકના માર્ગદર્શનથી બનાસકાંઠા જિલ્લાનાં ઘણા ખેડુતોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો આજે દાડમ, પપૈયા, ખારેક, બોર, શેરડી જેવા વિવિધ બાગાયતી પાકો લેતા થયા છે તેના થકી ખેડૂતોએ પોતાની આવકમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામનાં શિક્ષિત યુવક શ્રી મહેન્દ્રભાઈ ભટોળે મિકેનીક્લ ડિપ્લોમાં સુધીના અભ્યાસ કર્યા બાદ આજે એક સફળ ખેડૂત બન્યા છે. તેમને નાનપણથી જ ખેતી પ્રત્યેના લગાવ અને તેમના પિતાશ્રી ગેમરભાઈ ભટોળના માર્ગદર્શન થકી તેમના ખેતરમાં શેરડીનું ટપક પધ્ધતિથી સફળ વાવેતર કર્યું છે. તેની સાથે ગોળ બનાવવાનું યુનિટ શરૂ કરીને બીજા ખેડૂતો માટે એક નવી દિશા ચિધીં છે.
શ્રી મહેન્દ્રભાઈ ભડોળનું ફાર્મ જલોત્રા ગામથી નજીક આવેલ છે. તેમના ફાર્મની મુલાકાત લેવા જેવી છે. તેમના ફાર્મમાં પ્રવેશ કરતાં ગોળ બનાવવાનું યુનિટ નજરે પડે છે. ખેતીના આધુનિક સાધનો, પશુઓ માટે પાકા શેડ, ચોખ્ખાઇ અને વ્યવસ્થિત કામગીરી નજરે પડે છે. તેમની બધી જમીનમાં ટપક અને ફુવારા પધ્ધતિથી તેઓ ખેતી કરે છે. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી ચીલાચાલુ ખેતીને બદલે પરિવર્તન સાથે નવા પ્રયોગો શરૂ કર્યા હતા. અને શેરડીની ખેતીની શરૂઆત કરી હતી. જેને ખુબ સારી સફળતા મળી છે.
એક મુલાકાતમાં શ્રી મહેન્દ્રભાઈ ભટોળે કહ્યું કે, ગુજરાત સરકારના કૃષિ મહોત્સવથી ખેડૂતોને ખુબ સારો ફાયદો થયો છે. કૃષિ મહોત્સવમાં આપવામાં આવતા માર્ગદર્શનથી ખેડુતો આયોજનબધ્ધ ખેતી અને મબલખ ઉત્પાદન મેળવતા થયા છે. તેમણે કહ્યુ કે આજના જમાનામાં ઓછા પાણી અને ઓછી મહેનતથી સારી આવક મેળવી શકાય છે. તેમણે કહ્યુ કે અમારા બાપ-દાદાઓ ૪૦ વર્ષ પહેલાંના સમયમાં અહીં શેરડી, કઠોળ જેવા પાકોનું મબલખ ઉત્પાદન લેતા હતા. પરતું સમય જતા અહીં પાણીના તળ ઊંડા ગયા અને શેરડી તથા કઠોળનું વાવેતર બંદ થઇ ગયું. તેમણે કહ્યું કે, ખેતી પ્રત્યેના લગાવના કારણે ખેતરમાં ૪ વીઘામાં કોલ્હાપુરથી લાવેલ શેરડીનું વાવેતર કર્યું છે. તેમણે કહ્યુ કે, શેરડીના વાવેતર માટેના જરૂરી માર્ગદર્શન માટે સુરત, મહારાષ્ટ્રના કોલાપુર સુધી મુલાકાત કરી છે અને કોલ્હાપુરથી ૮૦૦૫ નંબરની જાતના શેરડીના ૨૨૦૦ રોપા લાવી ખેતરમા મિનીપ્લાન્ટેશન કરી ચાર વીઘામાં શેરડીનું વાવેતર કર્યું હતું. તેમણે કહ્યુ કે, શેરડીનું વાવેતર ચાર ફૂટનાં અંતરમાં કરવા આવે તો ઉત્પાદન વધુ અને ગ્રોથ સારો રહે છે. તેમણે કહ્યું કે, ખેતરમાં ૧૬ ટન છાણીયું ખાતર અને જરૂરીયાત મુજબ ગંધકનો ઉપયોગ કર્યો હતો. એક હેકટર જમીનમાંથી ૬૦ થી ૭૦ ટન જેટલું ઉત્પાદન મેળવ્યું છે અને સારી માવજતથી ૧૦૦ ટન સુધી ઉત્પાદન મેળવી શકાય છે.
શ્રી મહેન્દ્રભાઈ ભટોળે કહ્યું કે, આ વિસ્તારના ખેડુતોએ પોતાના ઇતિહાસને જીવંત રાખવા શેરડીનું વાવેતર કરવું જોઈએ. શેરડીનું વાવેતરથી ઓછા ખર્ચે સારી આવક મેળવી શકાય છે. એક વર્ષ વાવેતર કર્યા પછી ત્રણ વર્ષ સુધી તેની કાપણી કરી ઉત્પાદન મેળવી શકાય છે અને દર ત્રણ ચાર મહિને થતો વાવેતર ખર્ચ શેરડીના વાવેતરમાં થતો નથી.
શ્રી મહેન્દ્રભાઈ ભટોળે કહ્યું કે, ગોળ બનાવવાનું યુનિટ શરૂ કરવા માટે કોલ્હાપુર સાધન સામગ્રી અને કારીગરો લાવીને દેશી ગોળ અને પ્રવાહી ગોળ બનાવવાનું શરૂ કર્યુ છે. એક, બે,પાચં કિ.લો.ના પેકિંગમાં એક દિવસમાં ૪૦૦ થી ૫૦૦ કિ.લો. કેમીકલયુક્ત ગોળનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને તેનુ સ્થળ પર વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યુ કે, આ યુનિટથી અહીંના સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. તેમણે કહ્યુ કે, ભવિષ્યમાં ભારતનાં વિશાળ માર્કેટમાં તેનું વેચાણ શરૂ કરવાનો વિચાર છે કે, જેથી વધુ લોકોને રોજગારી આપી શકાય અને અમારી ભોમકાનો ભવ્ય ઇતિહાસ કાયમ અમર રહે.
0 Comments
Thank you for visiting our blog and Comments.