વાહ મોરિયા વાહ
✍🏻 - મલિક શાહભાઈ દસાડા
આજરોજ વિક્રમ સંવંત ૨૦૮૦ ના વૈશાખ સુદ બીજના ધોમધખતા તાપમાં હૈયાને ટાઢક આપનારો એક "વીર શહીદ સિંધી સોરમખાનની શહાદતનો શતાબ્દી ઉત્સવ(ઉર્સ) પાલનપુર નવાબસરકારના નાનકડા ગામ મોરિયા ખાતે યોજાઈ ગયો. હાલકડોલક થતી જમીનને સમતોલ કરી હોય એમ આ મોરિયા ગામ ફરતે કુદરતે ત્રણચાર ભોંખરા(ડુંગરાઓ) તોતિંગ ખિલા ખોડેલા છે. આમ જુઓ તો તમામ ગામડાઓ હોય એવું સામાન્ય ગામ છે મોરિયા.. પરંતુ જ્યારે આ ગામની ખાસિયતો ખૂબીઓ તથા ખુમારી આપણી નજર સામે આવે તો આપણ સૌને અચંબિત કરી મૂકે.
અને આ ખાસિયતો ખૂબીઓ તથા ખુમારી મોરિયાના સમસ્ત પ્રજાજનોએ દેખાડતો દાખલો બેસાડી દીધો કે અમારી બરાબરી કોઈ ના કરશો. હા હિંદુ મુસ્લિમ એકતાના. સંપના. સૌહાર્દના જે દર્શન મોરિયા ગામે કરાવ્યા એ વર્તમાન ભારત દેશને સત્તાની સાઠમારીમાં જ્ઞાતિઓને. કોમોને ભાષાઓને વાડાઓમાં વહેંચનાર બળોને ઝન્નાટેદાર તમાચો છે. અમારા જેવા અસલ દેશપ્રેમીઓને સંતોષ. હાશકારો તથા ખુશી થઈ કે ચલો મારા દેશ ભારતને વિશ્વની સૌથી મજબૂત લોકશાહી ગણાવનારની સંખ્યા આજેય સેંકડોમાં છે.
આજથી બરાબર એક સો વર્ષ પહેલાં સમૃધ્ધ વ્યાપાર કેન્દ્ર એવા મોરિયા ગામને લૂંટવા બનાજી નામના લૂંટારાએ તખ્તો તૈયાર કરીને મીરખાન નામના અન્ય એક બહારવટીયાની મદદ માંગી અને મોરિયા ગામ લૂંટયું. સોરમખાન કે જે બાજુના ગામ મુમનવાસ ખાતે નવાબસાહેબની અન્ય સેવા બજાવતા હતા ત્યાં આ ખબર પહોંચી. તેઓની ફરજમાં નહોતું આવતું છતાંય વિસ વર્ષની નીચેના આ નવલોહીયા યુવાનને આ વાત ખૂંચી ત્યારે લૂંટીને પરત ફરી રહેલા લૂંટારુઓને તેઓએ એકમાત્ર ઉપર ભરવાની બંદૂક વડે આંતરીને પડકાર્યા. પુષ્કળ માલમતા લૂંટીને મોરિયાથી નીકળેલા લૂંટારુઓ આ માલ સોરમખાનને સોંપવા તૈયાર નહોતા. પાલનપુર રાજ્યનું લુંણ પેટમાં પડ્યું હોઈ લૂંટનો માલ લઈ જવા દેવા આ યુવાન સોરમખાન તૈયાર નહોતા. મીરખાન તરફથી કહેવામાં આવ્યું કે "સોરમખાન નીકળી જાવ" પરંતુ એક તરફ પોતાનું મૃત્યુ તથા બીજી તરફ પાલનપુર રાજ્યની શાખ બે માંથી કોઈપણ એક વાતનો નિર્ણય તત્કાલ લેવાનો હતો ત્યારે એ નવલોહીયા યુવાન સોરમખાને પાલનપુર રાજ્યની શાખને પોતાના રુધિર વડે સીંચવું પસંદ કર્યું. ખબર હતી કે સામસામેના યુધ્ધમાં બાજી પોતાના પક્ષે નહોતી છતાંયે આ યુવાને બંદૂકનો ભડાકો કરીને બનાજીના ભાઈને મારી નાખ્યો. જેની સામે લૂંટારુઓની અસંખ્ય બંદૂકોએ આગ ઓકતા સોરમખાને પોતાની છાતીએ ગોળીઓ ઝીલી..અને એ જગ્યા પર શહીદ થઈ ગયા.(શહાદતનો કિસ્સો વિગતે લખીશું)
મોરિયા સ્કૂલમાં હેડમાસ્તર તરીકે ત્રણ દાયકા ફરજ બજાવીને નિવૃત્ત થયેલા એવા જાજરમાન બુઝુર્ગ બિહારી અલીખાનજીને આ વાત બરાબર યાદ હતી. તેઓએ વીર શહીદ સોરમખાનની શહાદતને સો વર્ષ પૂર્ણ થતા હોઈ શહીદની યાદગીરી રૂપે કોઈ કાર્યક્રમ કરવા ચિત્રાસણી ખાતે વસતા સોરમખાનના વંશજો હાલ હયાત એવા પૌત્ર સોરમખાનજી તથા ભીખનખાનજીને જાણ કરી. તેઓએ આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા ચર્ચા માટે મિત્રો વડીલોને આમંત્રિત કર્યા. શહાદતની તિથિ ઉર્ષ રૂપે ઉજવવાનું નક્કી કર્યું.
પરંતુ મોરિયા ગામની પ્રજાને આ નિર્ણય મંજુર નહોતો. તેઓએ ચિત્રાસણીના વીર શહીદ સોરમખાનના હાલ હયાત વંશજોને કહ્યું કે "શહાદતનો પ્રસંગ ઉજવવા માટેની ફરજ અમારી છે જે અમો નિભાવીશું!" આ નિર્ણય મોરિયાના પ્રજાજનોએ લીધો એ મોરિયા ગામની ખાનદાની. પોતાના જાગીરદારો માટે કૃતઘ્નતા વફાદારી તથા જાનફેશાની રજૂ કરે છે. ગામના વડીલો આગેવાનો ભેગા થયા જેમાં એકજ શુર નીકળ્યો કે શહિદ સોરમખાને આપણા ગામ મોરિયા માટે શહાદત વ્હોરી હતી તો આ શહાદતના પ્રસંગની ઉજવણી આપણા ગામ તરફથી કરવી જોઈએ. ચિત્રાસણીના હાલના સોરમખાનના વંશજો આ પ્રસંગે યજમાન નહીં પણ આપણા મોરિયા ગામના મહેમાન બનીને આવશે. જે બાબતની ચિત્રાસણી જાણ કરી દેવામાં આવી કે "આપ ચિત્રાસણીના સિંધી જાગીરદારોને મોરિયા ગામે મહેમાન બનીને આવવાનું છે!"
આખરે તા. ૯ મી મે ૨૦૨૪ અને વૈશાખ સુદ બીજ વી.સં. ૨૦૮૦ ગુરુવારના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના આ નાનકડા મોરિયા ગામે એક ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમ ગોઠવાઈ ગયો. અસહ્ય ગરમીમાં મોરિયાની ભાગોળે સુંદર સામીયાણું બંધાયું હતું. બન્ને તરફ મીર કોમના લોકો હાથમાં ફૂલોની પાંદડીઓ લઈને સરણાઈઓ વગાડતા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. ધીરેધીરે માનવ મહેરામણ ઉમટી રહ્યો હતો. સવારના સાડા દશ સુધીમાં મંડપ ફૂલ ભરાઈ ગયો. એક આડશ બાંધીને મોરિયાની બહેનો માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરાયેલી જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી. અતિથિઓમાં મુખ્ય ચિત્રાસણીનો સોરમખાનના વંશજોનો પરિવાર હતો તથા સુદાસણા ઠાકોર સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાનોની યાદી.
(૧) સિંધી સોરમખાનજી ફત્તેહખાનજી
(૨) સિંધી ભીખનખાનજી ફત્તેહખાનજી
અતિથિ વિશેષ...
(૧) સિંધી આબાદખાનજી દાદાભાઈ
(૨) સોહીલખાનજી અકબરખાનજી
(૩) સિંધી પરવેઝખાનજી અહેમદખાનજી
(૪) દોલતખાનજી નવરંગખાનજી.. ઉપસ્થિત રહ્યા
મહેમાનોને તો મહેમાનગતિનો ઉમંગ હોય એ સ્વાભાવિક છે પરંતુ મોરિયા ગામની પ્રજાને યજમાનીનો ઉમંગ અદકેરો હતો. પોતાના આંગણે પ્રસંગ હોય એમ દિલથી દરેક ગ્રામજનો કામે લાગેલા. ગામની કુંવાસીઓ માઈલો દૂરથી આવા ધોમધખતા તાપમાં ખાસ આ શહાદતના પ્રસંગમાં હાજરી આપવા આવેલી. મારા ઈતિહાસના લેખક તરીકેના દશ વર્ષના સમયગાળા દરમિયાન મેં અનેક પ્રસંગો જોયા છે માણ્યા છે. પરંતુ આજના વીર શહીદ સિંધી સોરમખાનની શહાદતની શતાબ્દી જેવો રૂડો પ્રસંગ ક્યાંય ના જોયો. આટલો હર્ષ આટલો ઉત્સાહ. એકએક જણને મેં ખુશીમાં ઝૂમતો જોયો. પાણીની નાની બોટલોનો ઢગલો ખડકી દેવાયેલો. દશથી વધારે યુવાનો ડોલમાં ભરીને એ પાણીની બોટલો મહેમાનો તથા ગ્રામજનોને પીવડાવતા હતા. શી ખબર કેયલીયે વાર ચા આવી હશે? નીચે ફક્ત પાથરણા નહીં ડનલોપના ગાદલા બિછાવેલા હતા. સુંદર સ્ટેજ પર સોફા સાથે હવા માટે મોટા કુલર્સ ગોઠવાયા હતા. સ્ટેજની નીચે જમણી તરફ સોફા તથા કુરશીઓ લાગેલી જેમાં અનેક આગેવાનો બેઠેલા. એ કુરશીઓમાં પાલનપુર નવાબસાહેબની જાગીરના જાગીરદારો બેઠેલા. નામી અનામી આગેવાનો બેઠેલા.
વીર શહીદ સિંધી સોરમખાનના વંશજ એવા ભીખનખાનજી મોરિયા ગામના ગ્રામજનોની યજમાની જોઈને ભાવુક થઈ ગયા. તેઓએ પોતાના પ્રસંગોપાત પ્રવચનમાં ગામ સમસ્તની કુંવાસીઓને પહેરામણી આપવાની જાહેરાત કરી.(એક લાખ સાઈઠ હજાર ખર્ચ) શહાદતના સ્મારકને રક્ષિત કરવા માટે ફેંસિંગ દીવાલ કરાવવા પાંચ લાખ રૂપિયા, શિક્ષણ ક્ષેત્રે એક લાખ એકત્રીસ હજાર રૂપિયા તથા મંદિરમાં ધર્માદા પેટે એકત્રીસ હજારના અનુદાનની રકમ સાથે બે મેડિકલ કેમ્પ કરવાની પણ જાહેરાત કરી. આવા સમયે મોરિયા ગ્રામજનો તરફથી કરાયેલી એક જાહેરાત મારું દિલ જીતી ગઈ. મોરિયા ગામની એકપણ કુંવાસી પાસેથી વીર સિંધી શહીદ સોરમખાનની શહાદતની શતાબ્દીની ઉજવણી (ઉર્ષ) પ્રસંગે ફાળા પેટે એક રૂપિયો પણ ના લેવાની જાહેરાત ગામના સંસ્કાર તથા ખાનદાની બતાવતી હતી. આ શહાદતના પ્રસંગનો તમામ ખર્ચ મોરિયા ગામની અઢારેય વર્ણએ ભેગા થઈને સહર્ષ ઉઠાવી લીધો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જમણવાર શરૂ થયો. જમવામાં આજે શુધ્ધ ઘીથી લસલસતો શિરો, મગ મસાલાનું શાક, દાળ, ભાત તથા બનાસ ડેરીની ઠંડી છાશ હતી. લગભગ ૩૮૦૦ જેટલા માણસો જમ્યા પણ કોઈ શોરબકોર નહીં. લોકો જમીને પણ વીર શહીદ સોરમખાન પીરની શહાદત વાળી જગ્યાથી હટવા નહોતા માંગતા. ગામમાં ચકલુંય ફરકતું નહોતું. સમસ્ત મોરિયાની પ્રજાને આ મુબારક જગ્યાની મમત લાગેલી. આજે જાણે આ શહાદતનું ઋણ ચૂકવવાનો રૂડો અવસર હાથ લાગ્યો હતો જેને તન મન ધનથી ચૂકવી લેવો હતો. મોરિયાના કે ચિત્રાસણીના જાગીરદારો સાથે પોતે મન હૃદયથી સમર્પિત છે એ ભાવના રજૂ કરવાનો પ્રેમાળ અવસર હતો.
આજના શહાદતના પ્રસંગને પોતાના ખભા પર ઉપાડી લેનાર ગ્રામજનોનો અહીં ઉલ્લેખ ના કરું તો તેઓ સાથે અન્યાય લેખાશે.
(૧) બિહારી હિદાયતુલ્લાખાન અલીખાન.
(૨) બિહારી જહાંગીરખાન અહેમદખાન
(૩) બિહારી ગિજનીખાન પહાડખાન
(૪) ગોળ નથુભાઈ ઉમેદભાઈ
(૫) લોહ મોઘજીભાઈ ફલજીભાઈ
(૬) માજી સરપંચ કાગ મોઘજીભાઈ રામજીભાઈ
(૭) માજી સરપંચ પ્રજાપતિ હરજીવનભાઈ રામાભાઈ
(૮) ઠાકોર પ્રવિણજી રઘાજી
(૯) ઠાકોર નવીનજી રાધુજી
(૧૦) દરજી ચુનીલાલ અમૃતલાલ
(૧૧) નાઈ જગદીશભાઈ ડાહ્યાભાઈ(મંડપવાળા)
(૧૨) બિહારી ફયાઝખાન અકબરખાન
(૧૩) બિહારી બી.એમ.
(૧૪) પ્રજાપતિ કાનજીભાઈ
(૧૫) સિપાઈ ભેમજીભાઈ ભીખાભાઈ
(૧૬) હાપાણી મુરતુઝાખાન મનવરખાન
આ સાથે બિહારી ભીખુબાપુ તથા તેમના દીકરા પરવેઝખાનનો ખાસ આભાર કે તેઓએ પડદા પાછળ રહી આ કાર્યક્રમને સફળ બનાવવા અથાક પરિશ્રમ કર્યો.
ભાઈશ્રી જહાંગીરખાનજી બિહારીનું સંચાલન આંખે વળગે એવું હતું. તેઓ પાસેથી ઘણું શીખવા સમજવા મળ્યું.
હું પાલનપુર તાબાના તમામ જાજરમાન જાગીરદારોને અભિનંદન આપું છું કે તેઓએ આજેપણ પ્રજાની સાથે સહૃદય સુમેળ જાળવી રાખ્યો છે. તેમજ સામે પ્રજાને ખૂબખૂબ ધન્યવાદ પાઠવું છું કે એમણે પણ વખત આવ્યે તેઓની ખાનદાની કૃતઘ્નતા તથા સમર્પણ જાહેર કર્યું છે.
મોરિયા ખાતે અન્ય જગ્યા મટોરિયાની વીર વાઘેલાનું થાનક પણ છે જે વીર શહીદ સોરમખાનના ઐતિહાસિક પ્રસંગ લખીશું એની સાથે વણી લઈશું.
આ ઐતિહાસિક ઉર્ષ ઉજવણી માં હાજર રહેવા આમંત્રણ આપવા બદલ હું મોરિયા ગ્રામજનોનો આભાર માનું છું. આવા ભવ્ય અવિસ્મરણીય પ્રસંગને નજરે નિહાળી કલમબધ્ધ કરવા બદલ હું મારી પોતાની જાતમાં ધન્યતા અનુભવું છું. આવા વરવા સમયમાં આપણા ભારત દેશને આવા દિલને ટાઢક પહોંચાડનાર પ્રસંગોની તાતી જરૂરત છે. આવા પ્રસંગો બનતા રહે લોકો સમક્ષ પહોંચતા રહે તો આપણા દેશનું સાર્વભૌમત્વ. સંપ. સૌહાર્દ અકબંધ રહે. સૌ કોમો જ્ઞાતિઓમાં ભાઈચારો બની રહે..એવી પરમકૃપાળુ પરમેશ્વર ને કરબધ્ધ પ્રાર્થના સાથે જય હિંદ..
લેખક - મલિક શાહભાઈ દસાડા
૯ મી મે ૨૦૨૪
(લખ્યા તારીખ ૧૧મી મે ૨૦૨૪)
0 Comments
Thank you for visiting our blog and Comments.