બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં હરદેવાસણા નામનું ગામ છે. આ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બશિરભાઈ દર વર્ષે એક મહિનાની કપાત પગારી રજા લે છે. કપાતપગારી રજા પર જનારા કર્મચારીને પગાર ના મળે.
સામાન્ય રીતે ઉપરી અધિકારી દર વર્ષે એક મહિનાની કપાતપગારી રજા મંજૂર પણ ના કરે કારણકે તેનાથી ઘણી મુશ્કેલી ઉભી થાય. પરંતુ બશિરભાઈની રજા સરળતાથી મંજૂર થઇ જાય છે. કોઈ અન્ય શિક્ષકને થોડા દિવસની રજા આપવી હોય તો પણ સાત વખત વિચાર કરનારા અધિકારી બશિરભાઈની રજા તત્કાળ મંજૂર કરી દે છે કારણકે બશિરભાઈ રજા લઈને પણ શાળાએ હાજર રહે છે અને વિદ્યાર્થીઓને ભણાવે છે.
તમને એવું થશે કે શાળાએ નિયમિત આવે તો પછી રજા શા માટે મૂકે ? બશિરભાઈ કહે છે કે ક્યારેક શાળાએ આવવામાં બે પાંચ મિનિટ મોડું થાય, ક્યારેક રીશેષ પછી વર્ગમાં જવામાં મોડું થયું હોય તો વળી ક્યારેક કોઈ સગાસંબંધી શાળાએ મળવા આવ્યા હોય કે પછી ગામના કોઈ માણસો કોઈ કામ સબબ મળવા આવ્યા હોય. મારે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને જે સમય આપવાનો હોય એ સમયની મેં ચોરી કરી ગણાય એટલે પ્રાયશ્ચિત રૂપે હું એક માસનો પગાર નથી લેતો. કપાતપગારી રજા મુકું એટલે પગાર કપાઈ જાય પણ શાળાએ તો રોજ આવીને વિદ્યાર્થીઓને ભણાવું જેથી મારું પ્રાયશ્ચિત પણ થઈ જાય.
કોઈએ બશિરભાઈને પૂછ્યું, "બાકીના બીજા કોઈને આવો વિચાર નથી આવતો તમે કેમ આવું વિચાર્યું" બશિરભાઈએ હસતા હસતા કહ્યું,"અરે ભાઈ, મારે કાયમ આ દુનિયામાં નથી રહેવાનું. જ્યારે ઉપર જવાનું થશે ત્યારે ઉપરાવાળાને બધા જવાબો પણ આપવાના છે. જો હું વિદ્યાર્થીઓને આપવાનો સમય બીજે વાપરું અને એનો પગાર પણ લઉં તો પછી અલ્લાહને શું મોઢું બતાવવું ?"
મિત્રો, બશિરભાઈને ઉપરાવાળાને શું મોઢું બતાવીશ એની ચિંતા છે, આપણને છે ? આપણે જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એમાં દર મહિને હાથમાં પગાર આવે ત્યારે વિચારવું કે આ પગાર જેટલું કામ મેં કર્યું છે કે નહિ ? આપણે પગાર પાછો નથી આપવો પણ બીજા મહિને પગાર જેટલું કામ કરવાનો સંકલ્પ જરૂર કરવો.
0 Comments
Thank you for visiting our blog and Comments.